Friday, 18 March 2016

जानवा जेवु जुवो एक क्लिक मा

🎯ફીફા શુ છે⤵

ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ’ એ સામાન્ય રીતે ટૂંકાનામ (ફીફા)થી ઓળખાતી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય મેચોની લોકપ્રિયતા વધતા ૨૦મી સદીની શરૂઆતમાં આ રમત પર નજર રાખવા માટે એક સંસ્થાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના પરિણામે ૨૧, મે ૧૯૦૪ના રોજ પેરિસમાં ફીફાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફૂટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુંમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. તેના વર્તમાન પ્રમુખ સેપ્પ બ્લેટર છે. ૧૯૩૦થી યોજાતી ફીફા વિશ્વ કપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબદારી ફીફા નિભાવે છે. તે સ્વિટ્ઝરલેન્ડના કાયદાઓ હેઠળ રચાયેલ એક સંગઠન છે.

        ફીફા દર વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીને ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનું બિરુદ આપીને પુરસ્કારિત કરે છે. ફીફા હંમેશા આ રમતને ચાલુ રાખવા અને વિશ્વભરમાં તેના વિકાસ માટે સક્રિયપણે રસ લે છે.


🎯ગીઝાનો મહાન પિરામિડ⤵

       ગીઝાનો મહાન પિરામીડ એ કેરોની નજીક ગીઝા નેક્રોપોલીસમાં આવેલા ત્રણ પિરામિડમાંનો સૌથી જુનો અને મોટો પિરામિડ છે. તેને ખુકુનો પિરામિડ કે ચેઓપ્સનો પિરામિડ પણ કહે છે. પ્રાચીન વિશ્વની અજાયબીઓમાંથી આ એક માત્ર બચેલી અજાયબી છે. એવું માનવામાં આવે છે કે આ પિરામિડ ઈજીપ્તના રાજા ખુકુના ચોથા વશંજના મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું બાંધકામ લગભગ ૨૦ વર્ષ સુધી ચાલી ઈ.પૂ ૨૫૬૦ની આસપાસ પૂર્ણ  થયું હતું. ૩૮૦૦ વર્ષ સુધી આ મહાન પિરામિડ વિશ્વની સૌથી ઊંચી માનવ નિર્મિત ઈમારત બની રહ્યો હતો.       મૂળ તો આ પિરામિડ ખાસ સપાટીના લીસા પત્થરોથી ઢંકાયેલો હતો. હાલમાં જે દેખાય છે તે અંદરનું માળખું છે. તેના પાયાના ભાગમાં આજે પણ આ મૂળ પત્થરો જોવા મળે છે. એવું શોધાયેલ છે કે આ પિરામિડમાં ત્રણ કક્ષ છે. ગીઝાનો પિરામિડ એ એક સંકુલની મુખ્ય ઈમારત છે, જેમાં આ ઉપરાંત ખુકુના બે સ્મારક મંદિરો, ખુકુની પત્નીઓના ત્રણ નાના પિરામિડ, બે મંદિરને જોડતી ઊંચી મર્ગિકા અને પિરામિડની આજુબાજુના ઉમરાવોના નાના મકબરાઓનો સમાવેશ થાય છે. 

🎯ભારતીય પ્રથમ મહિલા અંતરીક્ષ યાત્રી⤵

     ભારતની બેટી કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ના રોજ હરિયાણામાં થયો હતો. કલ્પના ચાવલા એક ભારતીય -અમેરિકન પ્રથમ અવકાશ યાત્રી હતી. તેમણે પ્રથમ ૧૯૯૭માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા કોલમ્બિયાના સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતી.
    ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા હતા. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતી. ૧લી ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ કોલમ્બિયા સ્પેસ શટલ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન તુટી પડ્યું અને તેમાં સવાર સાત યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. નાસા તેમજ સમગ્ર વિશ્વ માટે આ એક દુઃખદાયક ઘટના હતી. આ અંતરીક્ષયાત્રી તો સિતારોની દુનિયામાં વિલીન થઈ ગયા પરંતુ તેમના સંશોધનોનો લાભ સમગ્ર વિશ્વને જરૂર મળ્યો. આ રીતે કલ્પના ચાવલાના આ શબ્દો સત્ય બની ગયા, “ હું અંતરીક્ષ માટે જ બની છું, પ્રત્યેક પળ અંતરીક્ષ માટે જ વિતાવી છે અને એના માટે જ મરીશ.”

🎯દરિયાનું પાણી ખારું કેમ હોય છે ?⤵
          દરિયાના પાણીની મુખ્ય વિશેષતા એ છે કે તે ખારું છે. દરિયાના આ પાણીમાં સોડીયમ ક્લોરાફાઇડના પ્રમાણના કારણે તે ખારું હોય છે. આ ઉપરાંત દરિયાના પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવાં રાસાયણિક તત્વ હોય છે. સમુદ્રના પાણીમાંથી જે વરાળ નીકળે છે, તે હવામાં પ્રવેશીને વાદળો બંધાય છે. અને આ વાદળ જમીન વિસ્તારોમાં જઈને વર્ષા રૂપે વર્ષે છે. તે વરસતી વખતે તેનો સપર્ક હવામાં ઉપલબ્ધ કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ વગેરે જેવા ગેસોથી થાય છે. આ ગેસ પાણીમાં ઓગળી જાય છે. આ પાણી નદી અને ઝરણા રૂપે દરિયા કે સાગરને મળતું હોય છે. આ રીતે દરિયાને મળતી આવી અસંખ્ય નદીઓ જે જમીન ઉપરનો ક્ષાર ઘસડી લાવીને દરિયામાં ઠાલવે છે. અને સૂર્યની ગરમીથી દરિયાના પાણીનું બાષ્પીભવન થાય છે. આ રીતે સમગ્ર ચક્ર ચાલ્યા કરે છે. આથી દરિયાના પાણીની ખારાશમાં વધારો થતો રહે છે.

🎯બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?⤵
      ખાનગી માલિકી ધરાવતુ બીબીસીએ રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ કરતી દુનિયાની પહેલી સંસ્થા હતી. તેમજ બીબીસી ટેલીવિઝન એ વિશ્વમાં સૌથી જુનું અને મોટામાં મોટું પ્રસારણ કર્તા છે. જેની સ્થાપના ૧૯૨૨માં બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કંપની લિમીટેડ તરીકે થઈ હતી. જે ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે. તેનું પુરુંનામ (બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) છે. જેનું મુખ્ય મથક લંડનમાં વેસ્ટમિન્સ્ટેર શહેરનાં બ્રોડકાસ્ટિંગ હાઉસમાં આવેલ છે. તેની સ્થાપના ૧૮ ઓક્ટોમ્બર ૧૯૨૨માં થઈ હતી. બીબીસી યુકેની જાહેર ભંડોળ દ્વારા ચલાવવામાં આવતા રેડિયો, ટેલિવિઝન અને ઈન્ટરનેટ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે. તે વાર્ષિક ટેલિવિઝન ખર્ચ લાયન્સ ફી દ્વારા ભંડોળ મેળવે છે. તેમજ બ્રિટીશ સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આ ફીનું સ્તર નિશ્ચિત કરવામાં આવે છે. તે યુકે અને વિદેશોમાં વિવિધ ટેલિવિઝનની ચેનલ અને રેડિયો સ્ટેશન ચલાવે છે. બીબીસી આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન ન્યુઝ સર્વિસ, બીબીસી વર્લ્ડ ન્યૂઝનું વિશ્વભરમાં પ્રસારણ થાય છે. અને વર્લ્ડ સર્વિસ રેડીઓ નેટવર્ક વેશ્વિક ધોરણે ૩૩ ભાષામાં પ્રસારણ કરે છે.

🎯ફેસબુક સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ⤵
      માર્ક ઇલિયટ ઝુકરબર્ગ એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતા સોશિઅલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝુકરબર્ગ હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ સાથે મળીને ફેસબુકની સ્થાપના કરી. તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે હાલમાં અમેરિકાના ૭માં અબજોપતિ છે.     ઝુકરબર્ગ ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેના હાર્વર્ડ ડોર્મ રૂમમાંથી ફેસબુકની રજૂઆત કરી હતી ફેસબુકનો વિચાર તેમના ફિલીપ્સ એક્ઝેટર એકેડેમી ખાતેના દિવસોમાંથી આવ્યો છે, જેમાં મોટા ભાગની કોલેજો અને સ્કૂલોની જેમ બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની તસવીરો સાથેની એક વાર્ષિક ડિરેક્ટરી બહાર પાડવાની જૂની અને લાંબી પરંપરા હતી, જે “ફેસબુક” તરીકે જાણીતી હતી. એકવાર કોલેજમાં ઝુકેરબર્ગની ફેસબુકનો ફક્ત હાર્વર્ડ પુરતો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો જ્યાં સુધી તેમણે ફેસબુકને અન્ય શાળાઓ સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો નહોતો. ત્યારબાદ ૨૪ મેં ૨૦૦૭ના રોજ, ઝુકરબર્ગ ફેસબુક પ્લેટફોર્મની જાહેરાત કરી, જે ફેસબુકમાં સોશિયલએપ્લીકેશન્સની રચના માટેના પોગ્રામિંગ માટે વિકસીત પ્લેટફોર્મ છે. આજે સમગ્ર વિશ્વમાં ફેસબુક પ્લેટફોર્મ માટે એપ્લીકેશન્સ બનાવતા ૮,૦૦,૦૦૦થી વધારે ડેવલોપરો છે. ૨૩ જુલાઈ ૨૦૦૮ના રોજ, ઝુકરબર્ગ વપરાશકર્તાઓ માટે ફેસબુક પ્લેટફોર્મના સંસ્કરણ, ફેસબુક કનેક્ટની જાહેરાત કરી.

🎯વિશ્વનો સૌથી દાનવીર વ્યક્તિ⤵
       વોરન એડવર્ડ બફેટ એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ અને દાનેશ્વરી છે. તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકામાં થયો હતો. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્ડર અને (CEO) છે. અને વર્ષ ૨૦૦૮માં ફોબર્સ દ્વારા અંદાજે ૬૨ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યાં હતા.       બફેટને ઘણીવાર “ઓરેકલ ઓફ ઓમાહા” અથવા “સેગ ઓફ ઓમાહા” કહેવામાં આવે છે અને તેઓ મુલ્યઆધારિત રોકાણને વળગી રહેવાની વૃતિ અને અઢળક સંપત્તિ હોવા છતાં તેમની વ્યક્તિગત કરકસરવૃતિને કારણે જાણીતા છે. બફેટ જાણીતા દાનેશ્વરી પણ છે અને તેમણે ગેટ્સ ફાઉન્ડેશનને તેમની સંપત્તિના ૮૫ ટકા દાનમાં આપવાનું વચન આપ્યું છે. અને તેઓ ગ્રિનેલ્લ કોલેજના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક સભ્ય તરીકે પણ સેવા આપે છે. જુન ૨૦૦૬માં બફેટે આશરે ૧૦ મિલિયન બર્કશાયર હેથવે શ્રેણી બીના શેર બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપી દીધા અને તેને પગલે તે ઇતિહાસનું સૌથી મોટું દાન અને બફેટ ફિલાન્થ્રોકેપિટાલિઝમ ક્રાંતિના એક અગ્રણી બની ગયા. ૨૦૦૭માં, તેમને ટાઈમ્સના વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

🎯વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ⤵
      ‘મહાભારત’એ વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. તે મુનિ વેદવ્યાસ દ્વારા લખાયેલું એક મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી,પણ એક શબ્દકોશ છે. એવું કહેવાય છે કે, જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિંદુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. આ ગ્રંથનું મુળનામ ‘જય’ ગ્રંથ હતુ અને પછી તે ‘ભારત’ અને ત્યારબાદ ‘મહાભારત’ તરીકે ઓળખાયો.      આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક,પૌરાણિક,ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે, અને તે વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. જેમાં લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા શ્લોક છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એક ભગવદ્દગીતા સમાયેલી છે.

No comments:

Post a Comment

LATEST POST

Live Virtual Classroom STD: 9 to 12 Home Learning date:04/08/2020

Welcome to the Virtual Class Standard: 9 to 12 under the Home Learning Program by Samagra Shiksha. Date: 04/08/2020  ◆Standard: 9  ...